આખી સ્કૂલમાં નાગરિકશાસ્ત્ર શીખવનાર નિર્મલાબેન ખૂબ જ લોકપ્રિય હતાં. તે બાળકોનાં વ્હાલાં શિક્ષક હતાં, કારણ કે અઘરામાં અઘરી વાત નિર્મલાબેન ખૂબ સરસ રીતે સમજાવી શકતાં હતાં. ગયા મંગળવારે તેમના જ ક્લાસની મીનાક્ષીએ ક્લાસ શરૂ થયો કે તરત જ સવાલ કર્યો, બહેન! આપણે ૨૬ જાન્યુઆરીએ ધ્વજવંદન કરવાની તૈયારી કરી રહ્યા છીએ. જાતજાતના કાર્યક્રમો થવાના છે. આપણે બધા ક્લાસમાં શણગાર કરીશું. પરંતુ આવું તો આપણે ૧૫ ઓગષ્ટે પણ કરીએ છીએ. તો વર્ષમાં બે વખત આપણે આઝાદીની કેમ ઉજવણી કરીએ છીએ?
નિર્મલાબેને કહ્યું, મીનાક્ષી તે ખૂબ સરસ સવાલ કર્યો. જે વાત આપણને ન સમજાય એના વિશે માહિતી મેળવતાં રહીને સમજવાનો પ્રયાસ કરે એ જ ભણવામાં આગળ રહે. ક્લાસ, મીનાક્ષી દર વર્ષે પહેલો નંબર કેમ લાવે છે એ હવે સમજાયું?
પ્રજાસત્તાક દિન
નિર્મલાબેને વાત આગળ ચલાવી, જુઓ વિદ્યાર્થીઓ આપણે વર્ષમાં બે વખત આપણી આઝાદીનું પર્વ મનાવીએ છીએ. ૧૫ ઓગષ્ટ અને ૨૬ જાન્યુઆરી. આવું એટલા માટે કરીએ છીએ કે અંગ્રેજો આપણા દેશમાંથી એમનું રાજ છોડીને આપણને દેશની સત્તા સોંપીને ૧૫ ઓગષ્ટ ૧૯૪૭ના દિવસે જતા રહ્યા હતા. એટલે કે આપણે એ દિવસે આઝાદ થયા હતા. આપણે એ દિવસને આઝાદી દિવસ(ઈન્ડિપેન્ડેન્સ ડે) તરીકે ઉજવીએ છીએ.
પરંતુ આપણા આઝાદ દેશમાં સત્તા કોના હાથમાં રહે એની વ્યવસ્થા ત્યારે હજી નક્કી થઈ નહોતી. એટલે તાત્કાલિક અંગ્રેજી શાસન પદ્ધતિ પ્રમાણે સરકારની રચના કરી વડાપ્રધાન તરીકે જવાહરલાલ નહેરુએ દેશનું શાસન ચલાવવાની શરૂઆત કરી દીધી હતી. સરકારને કઈ કઈ સત્તા મળે અને દેશના નાગરિકોને કયા કયા અધિકાર મળે? એના નિયમો હજી બન્યા નહોતા. આ નિયમપોથીને બંધારણ કહે છે. બંધારણ એટલે દેશના નાગરિક અને સત્તાધીશ બધાને બંધનમાં રાખનાર નિયમો.
પ્રજાસત્તાક દિવસ એટલે શું?
બંધારણના નિયમો ચોક્સાઈથી લખીને તૈયાર કરવા માટે ડો. ભીમરાવ આંબેડકર, જવાહરલાલ નહેરુ, રાજગોપાલાચારી, રાજેન્દ્રપ્રસાદ, ગણેશ માવલંકર, કનૈયાલાલ મુનશી, અબ્દુલ કલામ આઝાદ, શ્યામાપ્રસાદ મુખરજી, બળવંતરાય મહેતા સહિતના નિષ્ણાતોની બંધારણસભા બનાવવામાં આવી હતી. એમાં દેશમાં વસતા દરેક ધર્મ અને જ્ઞાતિને યોગ્ય પ્રતિનિધિત્વ મળે એની ખાતરી કરવા દરેક ધર્મ અને જ્ઞાતિના સુશિક્ષિત આગેવાનોને પણ સામેલ કરવામાં આવ્યા હતા. કુલ ૨૮૪ સભ્યોએ ૧૬૫ દિવસ સુધી નાનામાં નાની વાતનું ધ્યાન રાખીને નિયમો બનાવ્યા. બધા જ નાગરિકોને એમના મૂળ અધિકાર મળી રહે અને સરકારનું પ્રજાના નિયંત્રણવાળું માળખું ચૂંટાઈને રાજ ચલાવે એવી વ્યવસ્થા લખીને તૈયાર કરવામાં આવી. તેને આપણે બંધારણ કહીએ છીએ.
બંધારણમાં લોકશાહીની મૂળ ભાવના લોકો માટે, લોકો દ્વારા અને લોકો થકી ચાલતી રાજ્યવ્યવસ્થા એવી નક્કી કરાઈ. એટલે કે પ્રજાને સત્તા આપતી વ્યવસ્થા અપનાવવામાં આવી. ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ના રોજ આપણે પ્રજાને સત્તા આપતા બંધારણનો અમલ શરૂ કર્યો. આ દિવસે ખરેખર ભારત દેશ પોતાની સ્વતંત્ર રાજ્ય-વ્યવસ્થા ધરાવતો લોકશાહી દેશ બન્યો. એટલે આ દિવસ પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવીએ છીએ.
26 જનવરી 2022 (પ્રજાસત્તાક દિન)
આ દિવસે દેશના સર્વોચ્ચ વડા એટલે કે રાષ્ટ્રપતિ, સરકારના સર્વોચ્ચ વડા એટલે કે વડાપ્રધાન અને સરકારના તથા સંસદના તમામ સભ્યો દેશની રાજધાની દિલ્હીના રાજમાર્ગ ઉપર હાજર રહે છે. એમની સામેથી આપણા દેશની સેનાની ત્રણેય પાંખઃ પાયદળ, નૌકાદળ અને હવાઈદળ પોતપોતાના લેટેસ્ટ શસ્ત્રો અને નિષ્ણાત જવાનો સાથે પરેડ કરે છે. સાથે સાથે દેશના દરેક રાજ્યની ઝાંખી કરાવતી કલાકૃતિઓ અને લોક કલાકારો પણ આ પરેડમાં સામેલ થાય છે.
દેશની દરેક સરકારી સંસ્થામાં, શૈક્ષણિક સંસ્થામાં અને સ્થાનિક કચેરીઓમાં ધ્વજવંદનના કાર્યક્રમો યોજવામાં આવે છે. હવે ખબર પડી કે આપણે આઝાદીના બે દિવસ કેમ ઉજવીએ છીએ?
છોકરાં એટલા એકચિત્તે વાત સાંભળી રહ્યાં હતાં કે જવાબ આપવાનું ય ભૂલી ગયાં.