ગુજરાતનુ સૌથી મોટું પુસ્તકાલય: આપણા દેશના દરેક રાજ્યમાં એક મધ્યવર્તી પુસ્તકાલય (સેન્ટ્રલ લાઇબ્રેરી) હોય છે. તેમાં ગુજરાત સુખદ અપવાદ છે. ગુજરાતનું અલગ રાજ્ય થયા બાદ અને પાટનગર – ગાંધીનગરમાં મધ્યવર્તી પુસતકાલય કાર્યરત થયા બાદ પણ સંસ્કારી નગરી વડોદરાના છેક ૧૯૧૦ થી સેવાઓ આપી રહેલા સમૃદ્ધ પુસ્તકાલયનો ‘મધ્યસ્થ’ ગ્રંથાલય નો દરજ્જો જાળવી રાખવામાં આવ્યો છે. એટલું જ નહીં, સમયની માંગને અનુરૂપ સુધારા વધારા કરી તેનું આધુનિકરણ પણ કરવામાં આવ્યું છે. મધ્ય અને દક્ષિણ ગુજરાતના સરકારી પુસ્તકાલયોનું નિયંત્રણ, અન્ય સાર્વજનિક પુસ્તકાલયોનું નિયંત્રણ, અન્ય સાર્વજનિક પુસ્તકાલયોનુ અનુદાન, નવા પુસ્તકાલયોની નોંધણી વગેરેની કાર્યવાહી અહીંથી થાય છે. શહેરના માંડવી વિસ્તારમાં આવેલા આ પુસ્તકાલયના વિવિધ વિભાગોની મુલાકાતે વાંચકો ઉપરાંત સંદર્ભ સામગ્રી શોધતા અભ્યાસીઓ – સંશોધકો, સ્થાપત્યનાં વિદ્યાર્થીઓ, તાલીમાર્થીઓ અને પ્રવાસીઓની અવરજવર ચાલુ જ રહે છે. ગ્રંથ સપ્તાહની ઉજવણીના સ્પર્ધાત્મક કાર્યક્રમો, પ્રદર્શન, તેમજ અન્ય કાર્યક્રમો દરમિયાન આમાં વધારો થાય છે. અનેક બાબતોમાં રાષ્ટ્રિયસ્તરે ‘પ્રથમ’ નું ગૌરવ ધરાવતા આ પુસ્તકાલયને પુસ્તક પ્રદર્શન માટે ૧૯૧૮ અને ૧૯૨૦ માં રાષ્ટ્રિય કક્ષાના સુવર્ણચંદ્રકો પણ મળ્યા છે.
અનેક પ્રગતિશીલ સુધારા માટે જાણીતા અને પ્રેમાદર પામેલા મહારાજા સયાજીરાવ ગાયકવાડ (ત્રીજા) તેમના વિદેશ પ્રવાહો દરમિયાન જોઇ શકયા હતા કે પુસ્તકાલયો સ્વયંશિક્ષણ તથા આજીવન કેળવણીનું અસરકારક સાધન બની શકે તેમ છે. આ સુવિધાનો લાભ તત્કાલીન વડોદરા રાજ્યની પ્રજાને આપવા માટે તેમણે પુસ્તકાલયો માટેના ખાતાની રચના કરી અને ગ્રામવિસ્તારોમાં પણ પુસ્તકાલયોની ગુંથણી રચી શકાઇ. પૂર્વજોના વસવાટના સ્થળ સરકારવાડામાં, રાજ્યના મધ્યવર્તી પુસ્તકાલય ૧૯૧૦ માં શરૂ કરવામાં આવ્યું અને તેના સંગ્રહમાં પેલેસ લાઇબ્રેરી તથા સંપતરાવ ગાયકવાડના અંગત સંગ્રહમાંના પુસ્તકોનો ઉમેરો કરવામાં આવ્યો. અમેરિકામાં સાર્વજનીક પુસ્તકાલયના સંચાલનની તાલીમ પામેલા ગ્રંથપાલ વિલઅમ એલિન્સન બોર્ડનની ક્યૂરેટર તરીકે ત્રણ વરસના કરારથી નિમણુંક કરવામાં આવી અને ટૂંક સમયમાં પુસ્તક આપ-લે ઉપરાંત સંદર્ભ, મહિલા તથા બાળકો માટેના વિભાગોનો ઉમેરો કરવામાં આવ્યો. બોર્ડનના મદદનીશ તરીકે મૂળ વસો ગામના શિક્ષક મોતીભાઇ ન. અમીનને મુકવામાં આવ્યાં. જેમણે પુસ્તકાલયના ક્ષેત્રમાં દેશભરમાં ગણના પામેલું મહત્વનું પ્રદાન કર્યું. વડોદરા રાજ્યની પુસ્તકાલય પ્રવૃત્તિને પ્રતિષ્ઠાભરી ઓળખ મળી. ગુજરાત રાજ્યનો ગ્રંથાલય વિભાગ રાજ્યના ઉત્તમ પુસ્તકાલયોને તેમજ ગ્રંથપાલોને મો. ન. અમીન એવોર્ડથી નવાજે છે.
સયાજીરાવના સમયમાં દક્ષિણ અને ઉત્તર ગુજરાત, ચરોતર તથા સૌરાષ્ટ્રનો કેટલોક વિસ્તાર પણ વડોદરા રાજ્યમાં હતો તેથી ગામડાઓને પુસ્તકો મોકલવા – લઇ આવવા બળદગાડાઓ ઉપયોગમાં લઇ ફરતા પુસ્તકાલયોની ગૂંથણી ઉભી કરવામાં આવી. ગ્રામજનો સમક્ષ પ્રદર્શિત કરવા શૈક્ષણિક ચલચિત્રો પણ મોકલતા. મધ્યવર્તી પુસ્તકાલય ૧૯૩૨ માં, સરકારવાડા સામેના (આર્કિટેક્ટ એડવર્ટ લ્યૂટિનસે બાંધેલા નવા મકાનમાં ખસેડવામાં આવ્યું. જેમાં વાંચનાલય, વિદ્યાર્થીઓના અધ્યયન માટેનો વિભાગ, વહીવટી વિભાગ તેમજ મહિલાઓ અને બાળકો માટેના વિભાગો ગોઠવાયા. સંસ્કૃત તથા પૌર્વાત્યશાસ્ત્રોની હસ્તપ્રતો મ.સ. યુનિવર્સિટી સંચાલિત પ્રાચ્ય વિદ્યામંદિર (ઓરિએન્ટલ ઇન્સ્ટીટયુટ) ને સુપ્રત કરવામાં આવી હતી. ૧૯૮૭ માં નવું વધારાનું મકાન પણ બનાવવામાં આવ્યું છે અને વરિષ્ઠ નાગરિકો માટેનો વિભાગ પણ શરૂ કરવામાં આવ્યો છે જ્યારે બીજી બાજુ હવેના સમયમાં મહિલાઓ માટેના અલગ વિભાગની ઉપયોગીતા પણ વધી રહી છે.
મધ્યસ્થ પુસ્તકાલયનો ગ્રંથભંડાર ૨૬ મીટરની લંબાઇ અને ૧૦ મીટરની પહોળાઇ ધરાવતા વિશાળ હોલમાંના ચાર માળમાં વિભાજીત થયેલો છે. તેનું સ્ટ્રકચર સ્ટીલનું છે અને પુસ્તકોના ઘોડા (રેકસ) વચ્ચે ૧૭ મિલીમીટરની જાડાઇવાળા બેલ્જીઅમના કાચની પ્લેટસ મુકેલી છે જેમાંથી પ્રકાશ સારી રીતે આવે છે અને સ્વચ્છતા જળવાઇ રહે છે. ઉપરાંત આગથી બચવા અબરખની પ્લેટસ મૂકી છે. આ ગ્રંથભંડારમાં ગુજરાતી, અંગ્રેજી, હિન્દી અને મરાઠી ઉપરાંત સિંધી તથા ઉર્દૂ ભાષાના મળીને ૩.૨૨ લાખથી વધુ પુસ્તકો છે. ગ્રંથાલય અને પદ્ધતિના, અહીંથી પ્રસિદ્ધ થતા દેશના સહુપ્રથમ ત્રૈમાસિક ‘લાઇબ્રેરી મિસેલેની’ ના અંકોની બાંધેલી ફાઇલ તેમજ ઓગણીસમી સદીના ઉત્તરાર્ધ તથા વીસમી સદીના પુર્વાધમાં પ્રસિદ્ધ થતા ગુજરાતી, અંગ્રેજી, હિન્દી, મરાઠી સામયિકોના બાંધેલા વોલ્યુમ છે. નાના કદના પુસ્તકો (મિનિએચર), કલાત્મક ચિત્રો, ઐતિહાસિક ફોટા વગેરેનો સંગ્રહ અનેક મહાનુભાવોએ નિહાળ્યો છે.
આ પુસ્તકાલયના ૩૮૭૦૦ જેટલા કાયમી સભ્યો છે. પુસ્તકોના આપ-લે વિભાગનો રોજ સરેરાશ ૧૧૫૦ થી વધુ સભ્યો લાભ લે છે. વાંચનાલયમાં ૨૨ વર્તમાનપત્રો અને ૧૮૩ સામયિકો આવે છે. જેનો રોજ ૬૫૦ થી વધુ નાગરિકો લાભ લે છે. અનેક પુસ્તકો, સામયિકો, દસ્તાવેજોનું ડીજીટલાઇઝેશન કરવામાં આવ્યું છે. પુસ્તકોનું નવી વર્ગીકરણ પદ્ધતિ (ડ્યૂઇ દશાંશ) પ્રમાણે વર્ગીકરણ કરી વર્ગાંક આપ્યા બાદ કોમ્પ્યૂટીકરણ કરવામાં આવ્યું છે. પુસ્તકોને તારવવા માટે રેડીઓ ફ્રીક્વન્સી આઇડૈન્ટીફિકેશન ડિવાઇસ ગોઠવવામાં આવી છે. આવી સુવિધા ગુજરાતના જુજ પુસ્તકાલયોમાં જ છે. આ પુસ્તકાલયની સેવાઓ વધુ સૃદ્રઢ કરવા રાજ્યના નવા વર્ષના અંદાજપત્રમાં જોગવાઇ કરવામાં આવી છે.
ગુજરાતનું સૌથી મોટું એવું આ વડોદરાનું મધ્યવર્તી પુસ્તકાલય અનેક બાબતોમાં અગ્રેસર હોવાની પ્રસન્નતા વ્યક્ત કરતાં રાજ્યના ગ્રંથાલય નિયામકશ્રી કૌશિકભાઇ શાહે જણાવ્યું હતું કે ‘ગ્રંથાલયવિજ્ઞાન તાલીમ માટે દેશનો સહુ પ્રથમ વર્ગ અહિં થયો. મુક્ત પ્રવેશદ્વાર તથા શાસ્ત્રીય વર્ગીકરણ પદ્ધતિની શરૂઆત અહીંથી થઇ. ફરતા પુસ્તકાલય તથા દૃશ્યપટ દ્વારા જ્ઞાન અને માહિતીના પ્રસારની શરૂઆત તથા દૃશ્યપટ દ્વારા જ્ઞાન અને માહિતીના પ્રસારની શરૂઆત અહીંથી થઇ, પણ કૌશિકભાઇએ આ પુસ્તકાલયના, તેરમા રાજ્ય ગ્રંથપાલ તરીકે મહત્વની કામગીરી બજાવી છે. તેમની પ્રસન્નતામાં સહભાગી બનતાં, હાલના રાજ્ય ગ્રંથપાલનો વધારાનો કાર્યભાર સંભાળી રહેલા શ્રી દિલીપભાઇ શાહ કહે છે કે ‘અહીંના ભંડારમાં મહારાજા સયાજીરાવને દેશ-વિદેશથી ભેટમાં મળેલા ગ્રંથો છે, સાહિત્ય અને સંસ્કૃતિને લગતા અલભ્ય ગ્રંથો છે. મહત્વના પ્રસંગોના ફોટોગ્રાફસના આલ્બમ છે. કલાપી આલ્બમ છે, ‘ગીત ગોવિંદ’ પરના કનુ દેસાઇના ચિત્રો છે.’ આ પુસ્તકાલયમાં કોપીરાઇટ વિભાગ હોઇ રાજ્યભરમાંથી પ્રસિદ્ધ થતા પુસ્તકોની એક એક નકલ પણ મળતી રહે છે અને પુસ્તકોના સંગ્રહમાં વધારો થતો રહે છે.
મધ્યવર્તી પુસ્તકાલય
બ્રેઇલ કોર્નર શરૂ કરવા અંગેની તાલીમ શિબિર યોજાઇ
રાજ્ય સરકાર અને રાજા રામમોહનરોય લાયબ્રેરી ફાઉન્ડેશન, કોલકત્તાની સમાન આર્થિક સહાયથી રાજ્યમાં પ્રજ્ઞાચક્ષુ વાચકોને પણ સામાન્ય વાચકની જેમ ગ્રંથાલય સેવાઓ પુરી પાડવા માટે ૨૦ સરકારી જિલ્લા ગ્રંથાલયોમાં કુલ૫૦ લાખના ખર્ચે બ્રેઇલ સાહિત્ય તથા વિવિધ શ્રાવ્ય અને ઇલેકટ્રોનિક ઉપકરણો તથા ટોકિંગ બુકસની સુવિધા યુક્ત બ્રેઇલ કોર્નર શરૂ કરવાના ભાગરૂપે આ ૨૦ ગ્રંથાલયોના ગ્રંથપાલો અને સહાયક કર્મચારી માટેની તાલીમ શિબિરનું આયોજન રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકના ગ્રંથાલય ખાતા દ્વારા અંધજન મંડળ, વ્સ્ત્રાપુર, અમદાવાદ ખાતે ગ્રંથાલય નિયામકશ્રી કૌશિકભાઇ શાહના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.
કાર્યશિબિરના ઉદ્ઘાટન પ્રસંગે અંધજન મંડળ, અમદાવાદાના એક્ઝિક્યુટીવ સેક્રેટરી ડૉ. ભૂષણ પુનાની, પ્રોજેક્ટ ડાયરેકટર વિમલબેન થાવાની, ટેકનોલોજી કોઅઓર્ડિનેટરશ્રી આર. પી. સોની તથા ગુજરાત ગ્રંથાલય સેવા સંઘના મંત્રીશ્રી પંકજ બાવીસીની વિશેષ ઉપસ્થિતિ હતી.
વિમલબેન થાવાની અને આર. પી. સોનીએ પ્રાસંગિક ઉદબોધનમાં રાજ્ય સરકાર દ્વારા પ્રજ્ઞાચક્ષુ વાચકો માટે જાહેર ગ્રંથાલય સેવાઓ, જિલ્લા સ્તરના સરકારી ગ્રંથાલયોમાં ઉપલબ્ધ બનાવવા બદલ રાજ્ય સરકારને અને ગ્રંથાલય ખાતાને અભિનંદન આપતાં આ પ્રયાસમાં અંધજન મંડળ પણ સંપૂર્ણ રીતે સહકાર પૂરો પાડશે તેવું જણાવ્યું. તાલીમાર્થીઓને પ્રજ્ઞાચક્ષુ વાચકોને ગ્રંથાલય સેવાઓ પુરી પાડવાની ત ક મળી છે તેને ઉમળકાભેર વધાવી લઇ સાર્વજનીક ગ્રંથાલયોની સેવાઓથી વંચિત પ્રજ્ઞાચક્ષુ વર્ગને ગ્રંથાલય સેવાઓ પુરી પાડી સમાજસેવાનું ઉમદાકાર્ય કરી શકે છે. તેવી શુભેચ્છા વ્યક્ત કરી તેમણે બ્રેઇલ કોર્નરની સેવાઓનો પુરતો લાભ અપાય તે માટે અનુરોધ કર્યો હતો.
પોતાના હાર્દરૂપ પ્રવચનમાં ડૉ. ભૂષણ પુનાનીએ પ્રજ્ઞાચક્ષુ માટેના વિધિસરના (નિયમસર) શિક્ષણ માટેની સુવિધાના ઇતિહાસથી લઇ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી પ્રજ્ઞાચક્ષુઓના શિક્ષણ સાથે કઇ રીતે સંકળાયેલા છે તેની ભૂતકાળની રસપ્રદ હકીકતોની જાણકારી સહિત અંધજન મંડળ, અમદાવાદની ભૂમિકા અને પ્રવૃત્તિઓની જાણકારી પુરી પાડી હતી. રાજ્ય સરકારની આ દિશામાં થયેલ પહેલને આવકારી ગ્રંથાલય ખાતાને તેમણે અભિનંદન આપતાં સમગ્ર રાજ્યમાં જ્યારે ‘સુગમ્ય ભારત’ નો અભિગમ અમલમાં મુકાઇ રહ્યો છે તેવા સમયે ગ્રંથાલય ખાતાનું આ દિશામાં લેવાયેલ આ પગલું સમગ્ર રાષ્ટ્ર માટે દિશા નિર્દેશક બની રહેશે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી.
અધ્યક્ષીય વક્તવ્યમાં ગ્રંથાલય નિયામકશ્રી કૌશિક શાહે સ્વતંત્ર બ્રેઇલ ગ્રંથાલયો દ્વારા પ્રજ્ઞાચક્ષુ વાચકોને પુરી પડાતી ગ્રંથાલય સેવાઓ અંગેની વિગતો રજૂ કરી હવે રાજ્ય સરકારે પ્રજ્ઞાચક્ષુ વાચકો માટે વ્યાપક ગ્રંથાલય સેવા ઉપલબ્ધ બનાવવાના ભાગરૂપે જિલ્લા સ્તરે આવેલ સરકારી ગ્રંથાલયોમાં અલગ ‘બ્રેઇલ કોર્નર’ શરૂ કરી સમાજના પ્રજ્ઞાચક્ષુ વાચકવર્ગ માટે રાજ્ય સરકારે જાહરે ગ્રંથાલયોમાં સભ્યપદ મેળવવા અને જાહેર ગ્રંથાલય સેવાઓ મેળવવા માટેના દ્વાર ખુલ્લા મુકયા છે તેમ તેમણે જણાવ્યું હતું.
તાલીમ શિબિરના અંધજન મંડળના ટેકનિકલ કો-ઓર્ડિનેટર આર. પી. સોની તથા નવચેતન બ્રેઇલ લાયબ્રેરી, માધાપર (કચ્છ) ના હિમાંશુ સોમપુરાએ બ્રેઇલ લીપીની સમજ બ્રેઇલ સાહિત્યનો પરિચય તેના ઉપયોગ અને ગ્રંથાલયમાં તેની જાળવણી અંગેની વિગતવાર માહિતી પુરી પાડી તેમજ આધુનિક શ્રાવ્ય ઉપકરણો ટોકીંગ બુકસ, સી.ડી. પ્લેયર, કમ્પ્યુટર આધારિત શ્રાવ્ય સાધનો અને તે માટેના સહાયક સોફટવેર, સ્કેનર અને (ઓસીઆર) વિગેરેની પ્રયોગિક સમજ અને તેને ઉપયોગમાં લેવા અંગેની તાલિમ પુરી પાડી હતી.
તાલીમ શિબિરના સમાપન સત્રમાં અંધત્વ ઉપરની એક ડોકયુમેનટરી ફિલ્મ દર્શાવવામાં આવી હતી અને પ્રજ્ઞાચક્ષુઓને જ્ઞાનરૂપી પ્રકાશ પુરો પાડી તેમના સર્વાંગી વિકાસમાં બ્રેઇલ કોર્નરની સેવાઓ કઇ રીતે ઉપયોગી નિવડશે તે અંગેની ચર્ચા વિમર્શ બાદ તાલીમાર્થીઓને મુંઝવતા પ્રશ્નોના ઉત્તરો આપવામાં આવ્યા હતાં.
Read Also